અંતે સૌ હરખ અને આનંદ સાથે ગાડીમાં ગોઠવાયા, ભારતની ભૂતાન બોર્ડર નું સૌ થી છેલ્લું ગામ જયગાઉં જવા માટે અમારી બોલેરો જીપ રવાના થઇ. પશ્ચિમ બંગાળ નું જ એ ગામ છે. અહી થી ભુતાનની બોર્ડર સુધી ૧૪૦ કિમી નું અંતર છે. અહિયાં દિવસની શરૂઆત આપડા ગુજરાત કરતા ખુબ વહેલી થાય છે. એટલે બધી માથાકૂટ કરતા અને સામાન વગેરે ગોઠવી રવાના થતા સહેજે ૧૧ વાગી જાત પરંતુ વહેલી સવાર પડવાને કારણે સવાનવ વાગ્યે તો અમારી ગાડી જય ગાઉ જવા રવાના થઇ ગઈ. ૧૪૦ કિમી કાપતા સહેજે બે કલાક થવા જોઈએ એવી આપણી ગણતરી હોય પરંતુ અહીના રસ્તાઓની હાલત, અને સતત ઉંચાઈ તરફ જવાનું હોવાથી ૪ થી ૫ કલાકની ગણતરી રાખવી. રસ્તામાં બપોરનું ભોજન લેવા માટે અને અન્ય હોલ્ટ ગણતા અમે ચાર વાગ્યે જય ગાઉ પહોચેલા.
રસ્તામાં અમે જોયું કે ઠેર ઠેર ચા ના બગીચાઓ આવતા હતા, નાનપણ મા એવું ભણેલા કે પર્વતોના ઢોળાવો ઉપર જ ચા ના બગીચા હોય. અહિયાં કોઈ એવા ઢોળાવ વાળા પર્વતો હજુ ચાલુ નથી થયા સપાટ ખેતરો હતા તેમ છતાં ચાના બગીચા કેમ...? પછી ધ્યાન થી નિરીક્ષણ કરતા ખબર પડી કે ચાના ક્યારો ની ચારે તરફ દોઢ થી બે ફૂટ ઊંડી ખાળ જેવું બનાવેલ છે. જેથી ચા નો ક્યારો ઉંચો રહે...જે કઈ પાણી પડે તે ચાના મુળિયા મા ના રહે દડી ને ખાળિયા મા જતું રહે. જો વરસાદ ન આવે અને પાણી પાવું પડે તો ખાળિયા ઓ મા થી પાણી પસાર કરે જેથી ચા ના છોડ ને જરૂરી ભેજ મળી જાય . અહી નદીઓ મા બારે માસ ભરપુર પાણી રહે છે. પાણી ની નહેરો થી પાણી પણ જોઈએ તેટલું મળી રહે. ચાના ક્યારાઓ પણ ઉંધી રકાબી જેવા બનાવેલા જેથી પાણી દડી ને નીકળી જાય. અહી એ નોંધ લેવી રહી કે કાળા માથાના માનવી ની બુદ્ધિ શું ના કરી શકે...? સપાટ ખેતરોમાં પણ પર્વત ની ઈફેક્ટ આપી ઢોળાવો પર ઉગતી ચા નો પાક ખેતરો મા પણ લઇ શકાય. માત્ર દાર્જીલિંગ કે આસામ ના ઢોળાવો ઉપર જ ચા નથી થતી. પશ્ચિમ બંગાળ ના આ સપાટ વિસ્તારમાં પણ થાય છે.
રસ્તામાં અમે જોયું કે ચા ના કોઈ કોઈ બગીચામાં બહેનો પત્તી ચૂંટતી હતી, કોઈ મા દવા નો છંટકાવ ચાલતો હતો, કોઈ મા ખાતર ઉડાડતા હતા . નેચરલી કે ઓર્ગેનિક ચા નહોતી.
આગળ ચાલતા બીરપારા નામનું શહેર કહી શકાય તેવું ટાઉન આવ્યું. ત્યાં ચોકમાં વીર શ્રી બિરસા મુંડા ની સરસ પ્રતિમા જોઈ. જોઈ ને આનંદ થયો કે વાહ દેશમાં હવે સાચા વીર યોધ્ધા ઓ ની નોંધ લેવાની ચાલુ થઇ છે, અન્યથા માત્ર કેટલીક નક્કી કરેલી વ્યક્તિઓ ની જ પ્રતિમાઓ જોવા મળતી , સમગ્ર દેશનું વાતાવરણ જ એવું બની રહ્યું છે કે બિલકુલ વિરુદ્ધની વિચાર સરની ધરાવતા રાજ્યો એ પણ આવા વીર શહીદોની નોંધ મને કમને લેવી પડે છે. અને આપડા ગુજરાતમાં તો ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન બન્યું છે.
બીરપારા શહેર પૂરું થયા પછી રસ્તા મા કોઈ સારું રેસ્ટોરાં હોય તો ત્યાં બપોરનું ભોજન લેવા ગાડી ઉભી રાખવા ડ્રાઈવર ને સુચન કર્યું. પરી ઢાબા નામના રેસ્ટોરાં આગળ ગાડી ઉભી રહી . બધા ફ્રેશ થયા, અહી ગુજરાતી થાળી તો ના મળે. પણ ચપાતી, પંજાબી સબ્જી, દહીં, વગેરે નો ઓર્ડર આપી બેઠા. કારણ કે અમારી સિવાય કોઈ ગ્રાહક નહોતા એટલે બનાવતા થોડી વાર લાગશે. ત્યાં સુધી ત્યાં રેસ્ટોરાં ના બગીચામાં સી એ ફોટા પાડ્યા.
ભોજન વિશ્રામ પછી પુનઃ આગળ ની યાત્રા ચાલુ કરી, રસ્તામાં ચાના બગીચા આવ્યે રાખતા હતા. જુઓ આ બગીચામાં બહેનો ચા ની પત્ત્તી ચૂંટી રહી છે. ચાલુ ગાડી મા થી ફોટા પાડેલ હોવા થી દુર દેખાય છે.
આ ૧૪૦ કિમી ના પ્રવાસમાં ફૂલબારી, દોશદોર્ગા,પહારપુર,ચુરા ભંડાર,મૈનાતાલી,ધુપગુરી,બીર પારા,હાસીમોરા જેવા નામ ધરાવતા ગામ કે નાના શહેરો આવ્યા. રસ્તામાં મોટી અને નોંધ લેવાય તેવી ચાર નદીઓ આવી તીસ્તા, જલધાકા,કોલી અને તોર્સા નામની નદીઓ હતી. જલદાપારા નામનો નેશનલ પાર્ક પણ આવેલો. અંતે સાંજના ૪ વાગ્યે અમે જય ગાઉ પહોંચ્યા. થોડીવારમાં દિવસ અસ્ત થઇ જશે.
ગાડીના ડ્રાઈવર અમોને સીધા હોટલ બરસાના ઉપર લઇ ગયા. ત્યાં અમારું સ્વાગત કરવા માટે શ્રી બી.કે.પ્રસાદ ઉભા હતા. તેઓએ કહ્યું કે જલપાઈ ગુડી વાળા મુન લાઈટ ટુરીઝમ તરફ થી આપ નો હવાલો મને સોપ્યો છે. તમે બધા હોટલના રૂમમાં જઈ ફ્રેશ થઇ ને આવો. પછી આપડે આગળના પ્રવાસની વાત કરીએ.
અમો બધા ફ્રેશ થઇ નીચે આવ્યા, શ્રી બી.કે. પ્રસાદ ભૂતાનના ગાઈડ બહેન શ્રી નેમ્ગે વામ્ગો સાથે હાજર હતા. શ્રી પ્રસાદે કહ્યું કે અહી બાજુમાં જ મારી ઓફીસ છે ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ અને ૧,૨૯,૦૦૦ રૂ. સાથે આવો. અમે બધા ચમક્યા.....અરે ભાઈ , જલ્પૈગુડી વાળા મુન લાઈટ વાળા ભઈ એ તો વાત એવી કરેલી છે કે બાકીના પૈસા પરત આવો ત્યારે....પછી તો લાંબી રકજક ચાલી. ફોન કર્યા. પણ કોઈ પરિણામ ના આવ્યું.
શ્રી પ્રસાદજી એ સમજાવ્યું કે," એ માણસે પોતાનું કમીશન લઇ તમારું ગ્રુપ મને સોંપી દીધું છે. જો તમે ડાયરેક્ટ મારી પાસે આવ્યા હોત તો કૈક ફેર પડત....જલપાઈ ગુડી વાળા એ ૨૫૦૦૦ લીધા તેમાં તમને અહી સુધી પહોચાડવા, પરત લઇ જવા, જય ગાઉં ની આ ૩ સ્ટાર હોટલ બરસાના નું ભાડું, તમે ત્યાં જલપાઈ મા રોકાયા અને પરત જતી વખતે રોકાશો તે ભાડું વગેરે ખર્ચ ગણતા તેનું કમીશન બરાબર છે. મારો આ ચાર્જ ભૂતાન ની અંદર તમે જે પ્રવાસ કરશો તેનો છે".
શ્રી પ્રસાદજી એ અમોને વિગતવાર સમજાવ્યું કે ભૂતાનમાં તમે જે પ્રવાસ કરો તે ના ચાર્જીસ વધુ તમને શા માટે લાગે છે...જુઓ...
૧, કોવીડ પછી ભૂતાન ગવર્મેન્ટે યાત્રીઓ માટે રોજના ૧૨૦૦ રૂ. ટેક્સ તમે ૬ દિવસ ફરશો તો મારે વ્યક્તિ દીઠ ૭૨૦૦ રૂ. ટેક્સ પેટે જ ભરવાના રહેશે.
૨, ભૂતાન નો બીજો નિયમ છે કે યાત્રિકો એ ફરજીયાત ભૂતાનના જ ગાઈડ રાખવા તેનો રોજનો ચાર્જ ૧૦૦૦ રૂ.
૩, ભૂતાનમાં ફરતા તમામે ફરજીયાત ભૂતાનનું જ વાહન ભાડે રાખવું, તમે ૮ જણા છો..એ મુજબ ડ્રાઈવર, ગાઈડ અને તમે ૮ જણા એમ કુલ ૧૦ સીટ નું વાહન મારે ભાડે કરવું પડે. ભૂતાનના પર્વતીય રસ્તાઓ ને કારણે રોજના ૫૦૦૦ રૂ. વાહન ભાડું.
૪, કોવીડ પછી નિયમ કર્યો છે કે આવનાર પ્રવાસીઓ ને ફરજીયાત ૩ સ્ટાર હોટલમાં જ ઉતારો આપવો, જો ભૂલેચૂકે સસ્તી ધર્મશાળા કે ગેસ્ટહાઉસમાં લઇ જવામાં આવે તો મારું, ગાઈડ નું, ડ્રાઈવર નું, વાહનનું અને ઉતારો આપનાર ગેસ્ટ હાઉસનું લાઇસન્સ રદ કરી દરેકને ૧૦,૦૦૦ રૂ. દંડ ભરવાનો.
૫, તમે બધા ભારતના નાગરિક છો માટે ફક્ત ૧૨૦૦ રૂ. ટેક્સ છે. અન્ય વિદેશી નાગરિકો માટે રોજના ૮૦૦૦ રૂ. ટેક્સ લાગે છે.
૬, પ્રવાસ પૂરો કરો, અને જુઓ મારી સર્વિસ એવી હશે કે તમે જ કહેશો કે પુરા પૈસા વસુલ... હું અહી છેલ્લા ૩૦ વર્ષ થી આ બિજનેસ કરું છું.
૭, ભૂતાન ઈમિગ્રેશન ફોર્માલીટી , ટેક્સ ભરી ઇમિગ્રેશનમાં થી પરમીટ કઢાવવી, ગાઈડ , વાહન, ડ્રાઈવર ,ભુતાનની હોટલોનું બુકિંગ એ તમામ કાર્યવાહી મારે કરવાની, ઈમિગ્રેશન માટે દરેક ના ફોર્મ ભરવા, દરેક યાત્રીનો ૭ લાખ નો વીમો , કસ્ટમ ચેકિંગ એ તમામ પ્રક્રિયા મારે કરી આપવાની છે. તમારે માત્ર તૈયાર થઇ ગાડીમાં બેસી જવાનું છે.
આ તમામ સમજાવટ પછી અમારું ગ્રુપ એમની વાતમાં સહમત થયું....અને ૧,૨૯,૦૦૦/- રૂ. શ્રી પ્રસાદજી ને આપ્યા. અહી એક બાબત નોંધવી જરૂરી છે કે તમામ પૈસા એમણે કેશ લેવાનો આગ્રહ રાખ્યો. જે બાબત અમોને બિલકુલ ના ગમી, પરંતુ બીજો કોઈ ઉપાય નહોતો...કારણ કે ત્યાના તમામ એજન્ટો કેશ જ માંગે છે. એ બધા ભારતના જ નાગરિકો છે. કારણ કે જય ગાઉ એ આપણા જ દેશનું ગામ છે. અને આ બધા ત્યાં જ રહી ને બિજનેસ કરે છે.
શ્રી પ્રસાદજી ની ઓફિસે અમો સૌ પુરુષો જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી ફી લઈને ગયા, મહિલા વર્ગ જય ગાઉ ની બજારે ફરવા અને કઈ શોપિંગ કરવા જેવું લાગે તો શોપિંગ કરીશું તેમ કહી બજારમાં ગયા. જય ગાઉ એક ગામ જ છે. પરંતુ પ્રવાસીઓ આવતા હોવાથી રેસ્ટોરાં , લોજિંગ, બોર્ડીંગ નો વિકાસ થયો છે. તે ઉપરાંત ભારતીય સીમા સુરક્ષા બળ ના જવાનો ત્યાં હોય તે ઉપરાંત ખાસ અહીની માર્કેટ ના વિકાસનું કારણ.... ભૂતાનના નાગરિકોની ખરીદી સૌ થી વધુ છે. કારણકે ભૂતાનમાં દરેક વસ્તુ બહુ મોંઘી છે. ભુતાની નાગરિકો ભારત આવી ખુબ મોટી ખરીદી કરે છે. દુકાનદારો ને પૂછતાં કહ્યું કે, પ્રવાસીઓ ખાસ કશું ખરીદતા નથી. પણ ભૂતાનના નાગરિકો જીવન જરૂરી તમામ ખરીદી અહી થી કરે છે. આ જ વસ્તુ ભૂતાનમાં મોંઘી થવાનું કારણ ટ્રાન્સપોર્ટ . ભૂતાન ના રસ્તાઓ પર્વતીય હોવાથી વાહનો ના ભાડા ઊંચા છે.
ડોક્યુમેન્ટ મા ખાસ બહુ માથાકૂટ નથી કારણકે ભૂતાન અને ભારત ના ખુબ સારા સબંધો ને કારણે ભારતના નાગરિકો માટે પાસપોર્ટ ફરજીયાત નથી. જો કે આ છૂટ માત્ર ભારત માટે છે, પરંતુ કમ સે કમ ભારતના મતદાર તરીકે વોટર કાર્ડ ફરજીયાત છે. આપણી પાસે પાસપોર્ટ હોય તો વોટર કાર્ડ ની જરૂર નથી. જો કોઈ ૧૮ વર્ષ કરતા નાની ઉમરના હોય તો જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ જરૂરી છે. દરેકના પાસપોર્ટ સાઈઝ ના બે ફોટા ફરજીયાત છે.
ડોક્યુમેન્ટ તથા પ્રવાસ ફી વગેરે ની વિધિ પતાવી હોટેલ ઉપર પરત આવ્યા, સાંજના અંદાજે આઠ વાગતા હતા પણ ખુબ મોડી રાત્રી થઇ ગઈ હોય તેવું લાગતું હતું . કારણકે ભારતનો પૂર્વ ભાગ....અને ગુજરાત પશ્ચિમમાં એટલે આપણ ને થોડું વધુ લાગે.....બપોરે બધા મોડા જમેલા એટલે બહુ ભૂખ પણ નહોતી. સાથે લીધેલ નાસ્તો હતો અને બજારમાંથી બહેનો ટામેટા ખરીદી લાવેલા.... એટલે રૂમ ઉપર જ ભેળ બનાવી પેટપુજા કરી લીધી.
હોટલ પણ થ્રી સ્ટાર જ હતી. રૂમની સગવડ સારી હતી.
ધારી થી તા. ૯ મી માર્ચે' ૨૦૨૩ ના રોજ બપોર પછી નીકળેલા , આમ આજે તા. ૧૩ મી માર્ચ નો દિવસ પૂરો થયો. આવતી કાલે સવારે ભૂતાન ની ઈમિગ્રેશન અને કસ્ટમ ઓફિસમાં થી પસાર થઇ ભૂતાનમાં પ્રવેશ કરવાનો છે. વહેલી સવારે ૫ વાગ્યે તો અહી એકદમ અજવાળું થઇ જશે. ચાલો....કાલે સવારે ફરી મળીયે.....શુભરાત્રિ.
આપ જો આ બ્લોગ વાંચતા હો તો કોમેન્ટ જરૂર કરજો, ગમે તો શેર કરજો, લાઈક અને ફોલો કરજો.
NOTE:- All the photos displayed in this blog have been captured using the blogger's cellphone.
Comments
Post a Comment