MY GRATITUDE TOWARDS MY PARENTS AND MY LATE  COLLEAGU FRIENDS. 

પૂ. માતા - પિતા તથા પૂર્વજો અને સફળતાના સહભાગીઓની વંદના 

                          ભારતીય સંસ્કૃતિની મહાનતા તો જુઓ, આપડા ઋષિમુનીઓ એ કેટલું બુદ્ધિ પૂર્વકનું અને ચતુરાઈ ભર્યું કાર્ય કરેલ છે. ભવિષ્યમાં આવનારી નવી પેઢીઓ મા કોઈ આસ્તિક હોય, કોઈ નાસ્તિક હોય, કોઈ શ્રદ્ધાળુઓ હોય તો કોઈ અંધ શ્રદ્ધાળુઓ હોય, કોઈ વિજ્ઞાનના સિધ્ધાંતોને વળગી રહી જૂની પરમ્પરાનો વિરોધ કરે તો કોઈ વિજ્ઞાન અને ધર્મ કે રીત રિવાજને સાંકળીને યોગ્ય ઠેરવે . 
                           ટુકમાં "તુંડે તુંડે મતિ ભીન્નાહ" એ ન્યાયે સમાજના લોકોમાં મત મતાંતર હોય શકે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય જીવન પદ્ધતિ જ એવી સરસ ગોઠવી દીધી કે સમાજના તમામ લોકોને અનુકુળ પડે. આપડા રીત રીવાજોને શ્રધ્ધાના ચશ્માથી જુએ કે ધર્મના ચશ્માથી જુએ કે વિજ્ઞાનના કે આધુનિક વિચાર ધારા ના ચશ્માથી જુએ....દરેકને પોત પોતની માન્યતા ને અનુમોદન મળે અને તેમ છતાય ભારતીય સંસ્કૃતિનો ઓરીજીનલ  જે હેતુ છે તે તો સિદ્ધ થઇ જ જાય. આટલી પ્રસ્તાવના પછી મૂળ વાત ઉપર આવીએ.

                       આપડી સંસ્કૃતિની બીજી વિશેષતા એ રહી છે કે દરેક ક્ષણ, કલાક, હોરા, ચોઘડિયા, દિવસ, મહિના કે વર્ષ નું આગવું મહત્વ છે. ૨૪ * ૭ અને ૩૬૫ દિવસ પોત પોતાની રીતે કંઇક ને કંઇક વિશેષ અને આગવું મહત્વ ધરાવે છે. વિદેશના કે પશ્ચિમી સંસ્કૃતિ જેવું નહિ કે જે - તે બાબત માટે કોઈ " ડે " ઉજવવો પડે. વિદેશમાં વિવિધ પ્રકારના "ડે" ઉજવાય છે. 

                          આવો જ એક પ્રસંગ છે. થેન્ક્સ ગિવીંગ ડે ( THANKS GIVING DAY )  કે થેન્ક્સ ગિવીંગ વિક ઉજવવામાં આવે છે. કોઈ દેશમાં એક દિવસ તો કોઈ વળી વધારે દિવસ ઉજવે છે. જેનો હેતુ એ કે કોઈ એ આપના જીવનમાં કોઈ પ્રદાન કર્યું, કોઈની મદદ થી લાભ થયો કે કોઈએ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો તેમનો આભાર વ્યક્ત કરવો. કૃતજ્ઞતા વ્યક્ત કરવી.

                            અરે...ભાઈ , અમારા દેશમાં તો આ માટે અમારા વડવાઓ એ એક આખે આખો મહિનો ફાળવી દીધો છે. એ છે....ભાદ્રપદ માસ. જન સમાજ મા સામાન્ય રીતે માન્યતા એવી છે કે ભાદરવો મહિનો એટલે પિતૃ મહિનો, શ્રાદ્ધ અને તર્પણ નો મહિનો. એ વિષે બધા જાણે છે એટલે એ બાબતે ઊંડી ચર્ચા નહિ કરું, પરંતુ એટલું જરૂર કહીશ કે સાચું શ્રાદ્ધ કે તર્પણ એ છે કે વડીલો જયારે જીવતા હોય ત્યારે જ શ્રધ્ધા પૂર્વક તેઓને સંતોષ થાય, તૃપ્તિ થાય તે રીતે વર્તવું, વ્યવહાર કરવો, જરૂર હોય તો એ રીતની સેવા કરવી એ જ સાચું શ્રાદ્ધ - તર્પણ છે.

                           પરંતુ મારી દૃષ્ટિએ મુખ્ય હેતુ અહિયાં એ રહેલો છે કે આપડા વડીલોએ જે કઈ ભોગ આપ્યો તેને કારણે આજે આપડે આટલા સુખી છીએ તો તેઓને યાદ કરી તેઓ પ્રત્યે આભારની , કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવી. થોડી વાર માટે આંખો બંધ કરી કલ્પના કરી જુઓ કે અગ્નિ કે પૈડાની શોધ ન થઇ હોય તો આપડે સૌ કેવી હાલતમાં જીવતા હોત. આજે એક કોલ કરો અને દસ મિનીટમા પિત્જા હાજર થઇ જાય, એ.સી. લકઝરી કોચમાં થોડા કલાકોમાં સેંકડો કી.મી. ની મુસાફરી કરી શકીએ છીએ. આ તો એક વૈશ્વિક ઉદાહરણ છે.

                           પરંતુ વ્યક્તિગત રીતે આપડે સૌ જે કઈ સુખ - સુવિધા વાળું જીવન જીવી રહ્યા છીએ તેમાં કોઈ ને કોઈ સીધી  કે પરોક્ષ રીતે આપડા પરિવારના વડીલો નું યોગદાન છે. તેથી દિવંગત વડીલો ને યાદ કરી તેઓ પ્રત્યે આભારની, કૃતજ્ઞતાની લાગણી, ભાવ વ્યક્ત કરવો. સાથે સાથે પરિવારનો ઈતિહાસ જાણી ને ઉતમ સારી બાબતોનું ગૌરવ લઈએ, અને નવી જનરેશન ને એ ગૌરવમાં વધારો થાય તેવું જીવન જીવવાની પ્રેરણા મળે તેવું કરીએ તો આ પિતૃ મહિનો સાર્થક થાય. 

                        ઘરમાં સવાર - સાંજ બંને સમય ઘર મંદિરમાં આપડે દીવા - અગરબતી કરીએ છીએ, તો સાથે સાથે આપડા જીવનમાં યોગદાન આપનાર દિવંગત વડીલો કે મિત્રો ને રોજે રોજ યાદ કરી આભારની કે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવી જોઈએ. પરંતુ આજના ભાગદોડ વાળા ઝડપી જીવનમાં રોજ શક્ય ના હોય તો કમ સે કમ આ ભાદરવા મહિનામાં એ કરી શકીએ તો પણ દિવંગત આત્માઓ રાજીપો અનુભવશે અને આશીર્વાદ આપશે.

                         આપડા ઋષિ મુનિઓએ હજારો વર્ષો પહેલા પિતૃ વંદના માટે કેવી સરસ પ્રાર્થના ની રચના કરી. અહિયાં એ પિતૃ સ્તવન પ્રસ્તુત છે. 


                        શ્રી મેહુલભાઈ જે. પટેલ, બી.એ., બી.એડ. ( જ્યોતિષ વિશારદ ) ની ફેઇસબુક પોષ્ટ ના સૌજન્યથી તેઓના સાભાર સ્વીકાર સાથે આ સ્તવન નું ગુજરાતી ભાષાંતર અહી પ્રસ્તુત છે. કારણકે સંસ્કૃત મા માત્ર પાઠ કરવો અને તેનો અર્થ અને શબ્દોનો ભાવ જાણી ને પાઠ કરવો એ બંનેમાં મોટો તફાવત છે. 

   

                         તો ચાલો શ્રધ્ધા પૂર્વક કૃતજ્ઞતા ની અંજલિ અર્પણ કરીએ, અંતઃકરણ ના ભાવથી તેઓનો આભાર માનીએ, સમગ્ર જીવન દરમ્યાન જાણતા કે અજાણતા થઇ ગયેલી ભૂલોને માફ કરી દેવા વિનંતી કરીએ. રોજીંદા દૈનિક જીવનમાં રોજ ના થઇ શકે તો કમ સે કમ આ પિતૃ પક્ષ દરમ્યાન તો કરીએ જ .


                      🙏 મારી અંગત વંદના, આભાર સહ  કૃતજ્ઞતાની ભાવાંજલિ  🙏

                           જામનગર જીલ્લાના જામજોધપુર ના ગોરબાપા મારા દાદા પૂજ્ય શ્રી ભીમશંકર દાદા અને દાદીમા શ્રી અંબામાં કે જેઓએ જીવનભર યજમાન વૃતિ કરી, સદા સંતોષી જીવન જીવી ગયા. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ બહુચારમાં ના મંદિરના પુજારી તરીકે સેવા કરી. તેઓએ મારા પિતાજી ના વિકાસમાં જે કઈ યોગદાન આપેલ હશે તે બદલ અમો તેઓને વંદન કરીએ છીએ. પૂ. જયા ફૈબા અને મણી ફૈબા ને વંદન, મણી ફૈબા બહુ સરસ વાર્તાઓ કહેતા તે યાદ આવે છે. દાદીમાં અંબામાં અને જ્યા ફૈબા તો અમારા જન્મ પહેલા સ્વર્ગે સિધાવી ગયા એટલે તેઓને તો જોયેલા પણ નથી. પોસ્ટ બહુ લાંબી થઇ જાય એટલે વિશેષ વિગતો ફરી ક્યારેક લખીશ. 
  *****🙏***** 🙏*****


                          પરમ પૂજનીય બાપુજી, અરુણા બા અને બા. તમોએ જીવનમાં જે મુશ્કેલીઓ સહન કરી, સતત કરકસર કરી એક ઉતમ આદર્શ જીવન જીવી અમોને જે સંસ્કાર, સંસ્કૃતિ, સંપતિ નો જે વારસો આપ્યો છે તેને કારણે આજે અમો જે કઈ સુખ ભોગવી રહ્યા છીએ તે તમોને આભારી છે. પૂ. દાદાને જામ સાહેબ તરફથી જે જમીન મળેલી તે જમીન જામજોધપુર ગામના શૈક્ષણિક હેતુ માટે કોઈ જ સ્વાર્થ વિના અર્પણ કરી, સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન તમે મેળવી શકત એ પણ ન સ્વીકાર્યું, આયુર્વેદિક ડોક્ટરની ડીગ્રી મેળવી જીવન ભર નજીવા ચાર્જ થી ગામડાના  દર્દીઓની સેવા જ કરી, ત્યાં સુધી કે વૃદ્ધાવસ્થા આવી ત્યાં સુધીમાં પોતાની માલિકીનું મકાન પણ ન થયું. બા તમે એક આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવી, ખુબજ ટૂંકા પગારના એ દિવસોમાં રોજ છ કી.મી.નું અપ-ડાઉન પગે ચાલીને કરતા, એ યાદ છે. અંતમાં બા - બાપુજી બંને એ ચક્ષુદાન અને દેહદાન આપી, "ત્યાગીને ભોગવી જાણો" સાર્થક કર્યું. તમારું ઋણ અમો ક્યારેય  ન ચૂકવી શકીએ, બસ તમારા આશીર્વાદ અને રાજીપો હમેશા રહે. તમારા માટે લખવા બેસું તો એક નાનકડી પુસ્તિકા થઇ જાય, એ બધું ફરી ક્યારેક, અન્યથા બીજા વડીલોને પણ યાદ કરવા છે, અને બ્લોગ ખુબ લંબાઈ જશે.
        ***** 🙏 ***** 🙏 ***** 


                      પરમ પૂજનીય મમ્મી - પપ્પા, આપને શત શત વંદન. આપ બંને એ આપના દ્વારા ઉતમ રીતે કેળવાયેલી સુંદર, સંસ્કારી, ડાહી, વ્યવહાર કુશળ, ધર્મ પરાયણ અને ગૃહસ્થ ધર્મને દિપાવી બંને ઘરને ઉજળા કરી બતાવનાર કન્યા રત્ન કે જેનું કોઈ મૂલ ન થઇ શકે તેનું કન્યાદાન મને કરી એક જવાબદાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવી મારા એક નવા જીવનના જન્મ આપનાર તમો મારા બીજા માત - પિતા છો. તમો બંને એ પણ સતત સંઘર્ષમય જીવન જીવી અમોને માનસિક, સામાજિક અને આર્થીક હુંફ નો ટેકો આપ્યો. અમો હમેશા આપના ઋણી છીએ, આપ બંનેના આશીર્વાદ અને રાજીપો હમેશા અમારા પરિવાર ઉપર રહે એ જ પ્રાર્થના.
       ***** 🙏 ***** 🙏 *****

                       પિતૃ પક્ષે પૂ. હિમત કાકા, ચંદુકાકા, ઇન્દુકાકી, પૂ. રાધાબા સર્વોને મારા વંદન. જામજોધપુરમાં મારા પિતાજી ની અવેજીમાં દાદા પૂ. ભીમશંકર દાદા ને સતત મદદ રૂપ થયા, મંદિર સંભાળ્યું. વેકેશનમાં ગોંડલ આવતા ત્યારે જૂની વાતો કહી પરિવાર ના વડવાઓ નો પરિચય આપતા. આપ સૌ ના આશીર્વાદ હમેશા અમારી ઉપર રાખશો. રાજી રહેશો.
       ***** 🙏 ***** 🙏 *****

                       માતૃ પક્ષે પૂ. જયંતી મામા  આપને શત શત પ્રણામ. એકદમ સીધું સાદું જીવન તમે જીવી ગયા. તમને સંસારી સંત જ કહેવા પડે એટલું પ્રમાણિક અને આધ્યાત્મિક જીવન તમારું હતું. ખુબજ ટૂંકા પગારમાં કરકસર ભર્યું જીવન પસાર કરી, ધારીના મંદિરમાં કથા સાંભળતા સંભાળતા જ તમે દેહ છોડી અક્ષરધામ પામ્યા. લગભગ ૧૯૭૨ મા વેકેશનમાં હું મામાને ઘરે આવ્યો. ત્યારે તમે ભાવનગર રહેતા, મારી જિંદગીનું સૌથી પહેલું ફિલ્મ " હાથી મેરે સાથી" તમે મને ટોકીઝ મા બતાવેલું તે આજીવન યાદ છે. રોજ સાંજે મામા - મામી તમે ડાયરી લઇ હિસાબ લખવા બેસતા, ૨, ૩ અને ૫ પૈસા મા દાતણ, કોથમીર, શાકનો મસાલો વગેરે જેવા નાના-નાના હિસાબ પણ મામી લખાવતા તે મને યાદ છે. જેની એવી સરસ છાપ મારા ઉપર પડી કે મને પણ રોજીંદા હિસાબ લખવાની ટેવ પડી છે. બીજું કે મેં તમને કદી ગુસ્સે થતા નથી જોયા. બસ, મામા તમારા આશીર્વાદ અને રાજીપો હોય જ.   👉 👉
   ***** 🙏 ***** 🙏 *****

                                         પૂજ્ય વૃંદા મામી, માં ને પણ ભૂલવાડી દે તેવા મારા હેતાળવા મામી. કોઈને જમાડવા હોય તો કેમ જમાડાય, કેમ પીરસાય, ભોજન કરાવતી વખતે કેવા હેત સાથે વાણી, વર્તન, વ્યવહાર હોય એ તો તમારી પાસે થી જ શીખવું પડે. અન્નપુર્ણા માતાથી પણ વિશેષ તમે હતા, તમારે હસ્તે ભોજન કરવું એ એક સદભાગ્ય પૂર્ણ લહાવો હતો. સાવ સાદું ભોજન હોય તો પણ અમૃતનો ઓડકાર આવી જતો. રસોડામાં વેસ્ટ માંથી બેસ્ટ કેમ બનાવવું...?, એ બાબતમા તમારી માસ્ટરી હતી. ભલ ભલા કુકિંગ ક્લાસ વાળા પણ તમારી આગળ પાણી ભરે. 👉👉    
    ***** 🙏 ***** 🙏 *****

                                           પ.પૂ. ઘનશ્યામ મામા, પાય લાગુ, નમસ્કાર, વંદન...લગભગ ૧૯૭૧ -૭૨ મા અમો અમૃતપુર ( ઠીકરીયા ) રહેતા, અમો બંને ભાઈઓનો જનોઈનો પ્રસંગ ત્યારે હતો. તમે કેમેરો અને ટેઈપ રેકોર્ડર લઈને પ્રસંગમાં આવેલા, સાંજે બધા બેઠા હતા ત્યારે ટેઈપ રેકોર્ડરમાં અવાજ ટેપ કરી સંભળાવ્યો ત્યારે ગામના લોકો અને હું પણ આશ્ચર્ય થી અભિભૂત થઇ ગયેલા. ગામમાં અમારા "બા" નો વટ પડી ગયો કે ભાઈ, સરસ્વતીબેન ના ભાઈ આવ્યા છે. આપડો અવાજ પકડીને પૂરી દે એવું મશીન લાવ્યા છે. બીજું જીવન ભરનું સંભારણું એ કે હું જયારે ધોરણ ૧૦ મા આવ્યો, અને SSC બોર્ડની પરીક્ષા દેવા જવાનું થયું ત્યારે તમે મને કાપડ ખરીદીને પેન્ટ અને શર્ટ સિવડાવી આપેલા. યાદ એટલા માટે કે મેં મારી જીંદગીમાં પહેલી વખત પેન્ટ પહેર્યું....!!! તમે કહેલું કે ભાણીયા ભાઈ મેટ્રિક ની પરીક્ષા દેવા જાય તો મારા ભાણીયાનો વટ પડવો જોઈએ. બાકી તો ખાખી કે બ્લ્યુ ચડ્ડી અને ખમીસ એ જ અમારી લક્ઝરી હતી. મારું માપ બદલાઈ ગયું, તમારો સ્વર્ગવાસ થયો તો પણ એ પેન્ટ-શર્ટ મેં વર્ષો સુધી સાચવી રાખેલા. જીલ્લા કક્ષાએ મેટ્રીકની પરીક્ષા લેવાતી, પતરાની બેગમાં જરૂરી સામાન સાથે એ જોડ ગોઠવીને ગયેલો. અરે, મામા ૧૨ મા બોર્ડની પરીક્ષામાં પણ એ જ જોડી એ રંગ રાખ્યો. થેંક્યું... વેરી...મચ....મામા. 👉👉
 ***** 🙏 ***** 🙏 *****
  
                             ઓહ, પિતૃ પક્ષની એક નાનકડી પોષ્ટ લખવા બેઠો....પરંતુ પછી તો યાદો નું ઘોડાપુર ઉમટી પડ્યું. કોને યાદ કરું અને કોને ન કરું...? માતૃ અને પિતૃ પક્ષે, શ્વસુર પક્ષે, મિત્ર પક્ષે કેટલાયે દિવ્ય આત્માઓએ  મારા જીવનમાં નાનું-મોટું યોગદાન આપેલ છે. તમામ ના ફોટા પણ નથી, પણ એ બધા ની છબી મારા હૃદય મા અંકિત થયેલી છે. 

                             પૂ. કેશુમાસા ( અંગ્રેજોના સમયના ફોજદાર ) અને રંભા માસી ( અમદાવાદ ) મને બરાબર યાદ છે. લગભગ ૧૯૬૫-૬૬ હશે. વેકેશનમાં બા-બાપુજી સાથે માસીને ઘરે ગયેલા. દિવાળીની રોશની જોવા માસા લાલ બસમાં ( અમદાવાદની સીટી બસ ) રાત્રે લઇ ગયેલા. ત્યારે અમારા ગામમાં લાઈટ નહોતી આવી. અને, ભાઈ હું એટલો આશ્ચર્યથી ઉત્સાહિત થયેલો કે બસની બારીમાં થી ઉભો થઇ જોર જોર થી બોલવા લાગેલો, " જુઓ...જુઓ...બા-બાપુજી અક્ષરમાં દીવા....અક્ષરમાં દીવા ..." ( દુકાનોના બોર્ડમાં ) અને આખી બસના પેસેન્જરો ખડખડાટ હસવા માંડ્યા ત્યારે મને થયું કે, "મેં કૈક બાફી માર્યું". પણ કેશુમાસા કહે તું તારે મોજ કર, બધા ભલે દાંત કાઢે, એ બધાને કઈ ખબર ન પડે. ૧૯૭૯ - ૮૦- ૮૧ મા હું અમદાવાદમાં અભ્યાસ દરમ્યાન તમને મળવા આવતો ત્યારે માસી ગરમા ગરમ રસોઈ કરી જમાડતા, કોલસાની સગડીની એ મસ્ત સુગંધ હજુ મારા નાકમાં સચવાયેલી છે. તમો બંને હમેશા ખુશ મિજાજ હતા, તમારા આશીર્વાદ અને રાજીપો હોય જ. 

                           પૂ. કિશોર કાકા ( કિશોરભાઈ રાવલ- ફોરવર્ડ હાઇસ્કુલના ટીચર અને ગાર્ડન સ્ટુડિયો, અમરેલી ) નાનપણ થી મને કલા ક્ષેત્રે રસ હતો, તે પારખીને તમે રોજ સાંજે ( ૧૯૭૪-૭૫-૭૬ દરમ્યાન ) તમારા ઘરે પર્સનલ કોચિંગ આપી ઉતમ ચિત્રો કેમ દોરી શકાય તે શીખવતા. ૧૯૮૬-૮૭ દરમ્યાન તમે મને ઉતમ પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવાનું માર્ગદર્શન આપ્યું. ફોટોગ્રાફી માટે જ્યાં અને જયારે જરૂર પડી ત્યાં તમામ રીતે મદદ રૂપ બન્યા. આમ, કૌટુંબિક રીતે કાકા પરંતુ વિશેષ તો મારા હિત ચિંતક ગુરુજી તમે હતા. 

                    પૂ. હસમુખ મામા ( હસમુખભાઈ એ. વાગડિયા, મેથ્સ ટીચર, ફોરવર્ડ હાઇસ્કુલ, અમરેલી ) ૧૯૭૪-૭૫-૭૬ દરમ્યાન ઘરે બોલાવી ગણિતનું સ્પે. કોચિંગ આપતા. તે ઉપરાંત ૨૦૦૧ થી ૨૦૧૦ સુધી મારા બાળકો અભ્યાસમાં હતા ત્યારે પણ તમે કહેલું કે," છોકરાઓને ભણાવવામાં ક્યાય પણ મદદની જરૂર હોય તો કહેજે, મુંજવણ ન રાખતો" કૌટુંબિક રીતે મારા મામા પણ વિશેષ તો ગુરુજી તરીકે તમારા આશીર્વાદ મારી ઉપર કાયમ રહ્યા છે.

                      પૂજ્ય બાલાજી મામા ( મામાજી શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ, અમરેલી ) સતત આર્થીક સંઘર્ષ વચ્ચે, સામાન્ય વ્યવસાય કરતા કરતા તમારા પરિવારમાં તમારાથી નાના ભાઈઓ માટેની તથા  વૃદ્ધ માતા-પિતાની સેવા ચાકરી, આ તમામ જવાબદારીઓ પૂરી કરી. આમ છતાં સતત હસતા હસાવતા રહ્યા. અમોને જોઇને તમે એકદમ રાજી રાજી થઇ જતા એ તમારો ચહેરો મનમાં છપાયેલો છે. આ જગતના તાપ ખુબ જ સહન કરતા રહ્યા, પણ હવે તમારા આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે તેવી અંતર થી પ્રાર્થના કરું છું.
       ***** 🙏 ***** 🙏 ***** 

                          પૂ. દિવ્યા ભાભી, સાદર પ્રણામ..વંદન.., એકદમ ભોળા, સરળ અને નિખાલસ સ્વભાવના એવા તમે પણ મામીની જેમ પુરેપુરા હેતપ્રેમ થી આદર-સત્કાર કરતા, ગામડેથી અમરેલી આવવાનું થાય તો જમ્યા વગર જવા ન દેતાં. ગંભીર બીમારીમાં પણ આત્મ બળથી ટકી રહી ઈશ્વરને પણ તમે લડત આપી. હવે અક્ષરધામમાં પ્રભુ તમોને પરમ શાંતિ અને શીતળતા આપે એ જ પ્રાર્થના.
     ***** 🙏 ***** 🙏 ***** 
                          પૂ. ગાયત્રીબેન , સાદર નમસ્કાર. પ્રણામ, વંદન. ગંગા મૈયા ના ધીર-ગંભીર અને એકદમ શાંત પ્રવાહ જેવું ધીરજ પૂર્વકનું તમારું જીવન હતું. અમારા બનેવી શ્રી અશોકકુમાર નિવૃત થયા ત્યારે તમે કહેલું કે," જુઓ, દીકરા-દીકરી ના પ્રસંગો પુરા થયા, તમે પણ નિવૃત થઇ ગયા, હવે મારી ફરજ પૂરી થઇ" તમે આવું બોલ્યા ત્યારે ક્યાં ખબર હતી કે તમે " જીવન વન અતિ વેગે વટાવી" આમ અચાનક આંખ મીચી દેશો. સાચું નિરાંત નું જીવન તો હવે શરુ થવાનું હતું. ખેર, ઈશ્વરેચ્છા આગળ કોઈનું કઈ ચાલતું નથી. અક્ષરવાસ માંથી અમારી ઉપર હમેશા આશીર્વાદના ફૂલ વરસાવતા રહેજો.👉👉
   ***** 🙏 ***** 🙏 ***** 
                         
                          અરે, જો... ઉપલેટા યાદ આવી ગયું ...ઉપલેટાને કેમ ભૂલાય...નાનપણના મોટાભાગના વેકેશનો ઉપલેટામાં વિતાવ્યા છે. પિતાજીના ખાસ મિત્ર પૂજ્ય ડો. ધીરુભાઈ સોનેજી, પૂ. વિજયા માસી, ડો. પદ્મા બેન. ધીરુભાઈ ની વિશાળ હવેલી જેવા બંગલામાં ભાઈ શ્રી મધુકર સાથે રમતો, તમારે ત્યાં રોબોટ જેવો લાકડાનો એક ઘોડો હતો, તેની ઉપર બેસી તેના કાન પકડી સહેજ ઊંચા-નીચા થઈએ કે ઘોડો આગળ ચાલવા લાગતો. "ચલ મેરા ઘોડા ટીક ટીક" એમ કરી આખા ઘરમાં અમે ચક્કર મારતા. ઉનાળાની રાત્રિઓમાં તમારી અગાસી ઉપર બધા બેસતા અને સાહિત્ય - કલાની મહેફિલ જામતી. વાર્તા, કવિતા, કૈક નવી જાણવા જેવી વાત અને દીદી શાસ્ત્રીય નૃત્ય શીખેલા તો એ એમની કળા રજુ કરતા. ડો. ધીરુભાઈ અને પરિવારનો હું આભારી છું.

                               ધો. ૧૦ પછી એકવાર ઉપલેટા આવવાનું થયું ત્યારે સોનેજી પરિવારની મુલાકાત વખતે ડો. પદ્મા બેન એ એક મહેણાં સાથે મારા મનમાં રોપેલું બીજ " આ તારું શરીર તો જો, આટલો નબળો, આ ન ચાલે, કસરત કર અને બોડી બનાવ. તારી પર્સનાલીટી પડવી જોઈએ." કસરત અને તંદુરસ્તી માટે પ્રેરણા આપવા બદલ આપનો આભારી છું. 

                         ઉપલેટાના આયુર્વેદિક દવાઓના ઉત્પાદક શ્રી કાંતિલાલ સોનેજી અને મધુર અવાજ સાથે રૂપિયા જેવા ગોળ ચાંદલા સાથે જાજરમાન પર્સનાલીટી વાળા એવા રંભા માસી કેમ ભૂલાય..?

                        ઉપલેટાના ડેપો મેનેજર શ્રી જુગતરામ અને રમાબેન તમારી મહેમાન ગતિ ખુબ માણી છે. "રાજમોતી" બંગલામાં વેકેશનમાં જલસા કરતા. ઉપલેટા થી તુલસીશ્યામ બસ ચાલુ કરતા પહેલા એ રૂટ જોવા તમે નીકળેલા, અને ગામમાં અમારા ઘરે બસ લઈને આવેલા, ગામમાં પહેલી વાર બસ આવી, અને એ પણ મારા ઘરે....બાપુ, નિશાળમાં સહપાઠી ઓ મા આપડો વટ પડી ગયો. ગામમાં કેટલાયે દિવસો સુધી ચર્ચાના કેન્દ્ર સ્થાને "બસ" રહી... કારણકે ગામમાં જવલ્લે જ ક્યારેક ઇનામી કુપન યોજનાની બ્રૂક બોન્ડ કંપનીની ચા વેચવા ઘોડાગાડી આવતી કે ગામમાં કોઈ સાઇકલ ખરીદતું તો એ લક્ઝરી ગણાતી.

                        પૂજ્ય નટુભાઈ અને પ્રભા ભાભી, ( ફઇબાનું ઘર- ઉપલેટા ) નટુભાઈ તમે સવારમાં વસ્તી ચેતાવવા નીકળી પડતા, બપોરના એક વાગતા સુધીમાં તો " દયા પ્રભુની.." કરીને, ખડિયો ભરીને પરત ફરતા. અતિ સીમિત પરિસ્થિતિમાંએ તમે હમેશા ખુશ રહેતા, ઘરમાં જે કઈ સીમિત સાધનો હોય તેમાંથી સ્નેહ નીતરતી રસોઈ કરી ભાભી સામે બેસી આગ્રહ કરી કરી ને જમાડતા. તમારો સમગ્ર પરિવાર હમેશા ઉત્સાહ થી છલકાતો મેં જોયો છે. કોઈ દિવસ સ્ટ્રેસ, ડીપ્રેશન, હતાશા કે નિરાશાની છાયા સુધ્ધા જોવા નથી મળી. અતિ ક્ષુલ્લક કે સામાન્ય લાગતી વાતને પણ એકદમ ઉત્સાહ અને પોઝીટીવ રીતે રજુ કરવાનો સમગ્ર પરિવારમા વિશેષ ગુણ  છે. નાનપણ ના વેકેશનના દિવસો મોટા ભાગે તમારે ત્યાં પસાર થયા છે. તમારા સમગ્ર પરિવારના અમો ખુબ ખુબ આભારી છીએ. 

                         પ.પૂ. ડાહીબેન કરમસદકર, ( વડોદરા ) મારા પિતાજી ને દીકરા તરીકે ગણી જીવનભર સબંધ નિભાવ્યો. નાનપણમા મારા પિતાજી સાથે વડોદરા આવતો ત્યારે દૂધ,ઘી,કેળા અને મધ નો સવારનો નાસ્તો બરાબર યાદ છે. વિદેશની મોટી મોટી કાર્ટૂન સ્ટોરી બુકો તમે મને આપતા. મારા પિતાજી તમોને બહુ યાદ કરતા. અંતઃકરણ થી તમારો અને તમારા પરિવારનો આભારી છું.

                        પૂજનીય શ્રી અમૃતકૌર માં, ( થાપર પરિવાર - લાહોર ) મારા પિતાજી આયુર્વેદ કોલેજમાં ભણતા તે સમગ્ર વર્ષો દરમ્યાન દીકરા કરતા પણ વિશેષ તમે સાચવ્યા. મારા પિતાજી પાસેથી તમારા વિષે બધી વાતો સાંભળી છે. અંતિમ દિવસોમાં એ કહેતા, "મારી અમૃતમાં મને બોલાવે છે." બાકી મારા દાદીમાં તો મારા પિતાજી બે વર્ષની ઉમરના હતા ત્યારે જ સ્વર્ગે સિધાવી ગયેલા. સમગ્ર થાપર પરિવારના અમો ઋણી છીએ,   
       પરમ પૂજનીય શ્રી અમૃતકૌર થાપર , લાહોર.
      *****🙏***** 🙏*****

                      સ્વ. શ્રી  વિનોદરાય સુતરીયા,  - ભૂતપૂર્વ આચાર્યશ્રી, ડાંગાવદર પ્રા. શાળા , તા. ધારી.

                          શ્રી વિનુભાઈ, જય શ્રી કૃષ્ણ.....૨૦૦૧ થી ૨૦૦૩ દરમ્યાન આપડો પ્રથમ પરિચય થયેલો. ૨૦૧૨મા HTAT મા મારી નિમણુંક dangavadar થતા આપડે વધુ નજીક આવ્યા, શાળા વ્યવસ્થાપન, વહીવટી બાબતો, તમામ રીતે તમે હમેશા ઉત્સાહ પૂર્વક મને સાથ આપ્યો છે. ઓલ રાઉન્ડર ટીચર તમે હતા. કોઈ પણ કામ હોય તો એ તમે કરી શકતા. શાળા ના રીનોવેશન વખતે પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ, પેઈન્ટીંગ, બાગાયત, શાળાની સ્વચ્છતા, મધ્યાહન  ભોજન, શાળા કેન્ટીન અને વર્ગમાં બાળકો સાથે પણ. આમ અનેક ક્ષેત્રે તમે સફળતા પૂર્વક કામ કરી શકતા. સમય પાલનમાં પણ તમે હમેશા નિયમિત હતા. ટૂંકમાં મારી સફળતાના તમે સહભાગી છો. તમારો હું દિલ થી આભારી છું. શાળા વિકાસના પાયામાં આપનું યોગદાન પાયાના પત્થર સમાન હમેશા રહેશે. ફરજ બજાવતા બજાવતા જીવનની અંતરંગ વાતો પણ મારી સાથે શેર કરતા, એટલી આત્મીયતા સ્થપાઈ ગયેલી. નિવૃત્તિ પછી આપડે નિરાતે સાથે ફરવા જઈશું ની વાતો કરતા કરતા, નિવૃતિના માત્ર પાંચ દિવસ પહેલા અનંતની સફરે ચાલી નીકળ્યા. તમારી યાદ હમેશા તાજી રહેશે. તમે મારી સફળતાની યાત્રાના સહભાગી છો. હું તમારો ઋણ સ્વીકાર કરું છું.
    *****🙏***** 🙏*****

                        સ્વ.શ્રી રમેશભાઈ ગોહિલ - કર્મયોગી શિક્ષક, ડાંગાવદર પ્રા. શાળા, તા. ધારી.

                                કર્મનિષ્ઠ, કર્મયોગી, સફળતાના સહયાત્રી શ્રી રમેશભાઈ, ક્યાં થી ક્યાં શબ્દોમાં શરુ કરું...? ૨૦૧૨ થી ૨૦૧૯ સુધીનો ઘડીક નો સંગાથ કાયમી યાદ બની જશે એવી ક્યાં ખબર હતી..? સવારના નવ - સાડાનવ સુધીમાં સ્કુલે આવવાનો તમારો સમય ફિક્સ હતો, પણ પરત ઘરે જવાનો સમય નક્કી નહોતો. શાળા, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ને સમર્પિત આવા શિક્ષક બહુ ઓછા જોયા છે. આચાર્ય તરીકેની મારી સફળતામા તમારો સહયોગ અવિસ્મરણીય છે. સ્કુલના રીનોવેશન વખતે ગ્રામજનોને શ્રમદાન માટે તૈયાર કરી રાત્રીના દોઢ થી બે વાગ્યા સુધી શાળામાં રહી તમે કામ કર્યું છે. શાળાના પ્રવાસો હોય કે અન્ય તમામ ઈતર પ્રવૃતિઓ, પ્રસંગો દરેકની વ્યવસ્થા, જવાબદારી હસતા મો એ તમારે ખંભે બધો ભાર ઉપાડી ને સફળ કરેલ. કુદરતે અંગત જીવનમાં કરેલા અન્યાય અને દુઃખ ને અંતરમાં છુપાવી હસતા મો એ સતત કામ કરતા રહ્યા. તમારે માટે ગમે તેટલું લખું તે ઓછું છે. તમારી ટ્રાન્સફર થઇ ત્યારે ગ્રામજનો અને બાળકોએ તમને પાછા લાવવા જે પ્રયત્નો કર્યા તે તમારો સફળતાનો એવોર્ડ છે. તમારે નિવૃત થવાને હજુ ૧૦ વર્ષ બાકી હતા, કુદરતે બીજો આઘાત આપ્યા પછી કહેતા કે મારે હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેવી છે. ત્યારે હું કહેતો કે," પ્રવૃત્તિ મય રહેશો તો જીવનના દુઃખ હળવા થશે, માટે નિવૃત્તિ નથી લેવી." પણ.....ભલા માણસ, તમે તો શિક્ષક ની ફરજ ને બદલે, સંસારમાથી અચાનક નિવૃત્તિ લઇ લીધી. યાર, આમ અચાનક અમને છેતરી ને જતું રહેવાય ...? જીવનની અંતરંગ વાતો શેર કરી શકાય એવી દોસ્તી જામી ત્યારે જ અચાનક, "જાવ, હવે હું નથી રમતો" એવું કરીને જતા રહ્યા. મારી સફળતાના સહભાગી તરીકે હું તમારો ઋણી છું, આભારી છું.
           ***** 🙏***** 🙏*****

                હક્ક પૂર્વક સ્નેહાળ દાદાગીરી સાથે અમારા પરિવારમાં સ્થાન જમાવનાર એવી સ્વ. બકુ.

                         પૂર્વ જન્મના કોઈ ઋણાનુંબંધ હશે કે કોને ખબર, એક દિવસ અચાનક ક્યાંકથી આવીને જાણે વર્ષોથી જાણતી હોય તેમ ઘરમાં કોઈ જ ડર વગર આવતી થઇ. ગમે ત્યારે આવીને હક્ક પૂર્વક ખોળામાં આવીને બેસી જવું એ તારી ખાસ ટેવ હતી. હું મારું લેસન કરતો હોઉં તો ચોપડા, નોટબુક વગેરે ખસેડીને પણ ગોઠવાઈ જવું, બચ્ચા ને જન્મ આપ્યા પછી બચ્ચાઓ સાથે મારા ખોળામા બેસવું એટલે બેસવું જ એવી જીદ્દી. પણ,ઘરમાં કે રસોડામાં કદી પણ કોઈ બગાડ કે નુકશાન નથી કર્યું. દૂધ, ઘી, અન્ય વસ્તુઓ સામે પડી હોવા છતાં સાવ નિસ્પૃહ ભાવે રહેવું. ખરેખર તું કોઈ સાત્વિક આત્મા હતો. અમને સ્નેહાદ્ર થવાની જે તક આપી અને પૂર્વ જન્મના લેણ - દેણ પુરા કરવા બદલ હું તારો આભારી છું. આજે બાર વર્ષ પછી પણ અમે તને યાદ કર્યા વગર નથી રહી શકતા.
        ***** 🙏 ***** 🙏*****

                         અંતમાં સાચું શ્રાદ્ધ અને તર્પણ એટલે શું...?  આપડા વેદોએ જે રાહ ચિંધેલ છે એ વૈદિક ધર્મનો પરિચય અહિયાં શેર કરું. 👉 👉

                       પિતૃ તર્પણ ના આ ભાદ્રપદ માસમાં તમામ દિવંગત આત્માઓ ને હું અને મારો પરિવાર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, તેઓ સૌએ જે કઈ ભોગ આપેલો હશે, મુશ્કેલીઓ વેઠી હશે, પાયાના પત્થર બનવા દુઃખ સહન કર્યા હશે, તે ને કારણે આજે અમો જ્યાં છીએ ત્યાં પહોચવામાં એ સ્વર્ગવાસી આત્માઓ નો સહયોગ છે. એ માટે અમે તમારા ઋણી છીએ, તમારી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, તમારા આભારી છીએ, તમોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. અમારી ઉપર હમેશા રાજી રહી આશીર્વાદ આપતા રહેજો. અમોને માર્ગદર્શિત કરતા રહેજો. અને તમે સૌ પરમ શાંતિ  પામી પરમ ઉંચ્ચ ગતિને પામો એવી પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થના. આમ છતાં કોઈ આત્મા ને યાદ કરવામાં મારી કોઈ ભૂલ થઇ હોય તો મને માફ કરશો.


         ઓમ્  શાંતિ.....શાંતિ.....શાંતિ.....











 




 

  













  

Comments

  1. અદ્ભુત લેખન શૈલી અને વિચારોની ક્રમિક્તા દ્વારા વાચકોને જકડી રાખે એવા શબ્દચિત્ર કંડારવા માટે અભિનંદન. આપ અન્યને પ્રેરણારૂપ બન્યા છો અને ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ કરાવી રહ્યા છો એ બદલ રાજીપો વ્યક્ત કરું છું.

    ReplyDelete
    Replies
    1. આભાર, કાગબાપુ....તમારી જેવા નીવડેલા લેખક ની ટિપ્પણ મેળવવી એ જ સદભાગ્ય અને મારી સફળતાનું પ્રમાણપત્ર છે. પ્રોત્સાહિત કરવા બદલ....અંતઃ કરણ થી આભારી છું.

      Delete
  2. ખૂબ જ સરસ અને સરળ લખાણ. વંદન સહ અભિનંદન..🙏🏻

    ReplyDelete
  3. Aapno lekh e pitru tarpan thi pan vishesh chhe. Vadilo na jivan ni zankhi tame je shabdo ma kari che te adbhut chhe.

    ReplyDelete
    Replies
    1. ભાઇ અંબરીશ, બ્લોગ વાંચીને પ્રતિભાવ આપવા બદલ અંતઃ કરણ થી આભારી છું. તમારા સતત વ્યસ્ત સમય માં થી વાંચન માટે સમય ફાળવવો એ પણ એક મોટું પ્રોત્સાહન મારા માટે છે.

      Delete
  4. Yadoni srvanima svjnono run
    Svikar lajvab.fkt akj school
    Na sambharna thi Santosh
    Pamya.staf sivay pdoshi.mitro.
    Hitchintkone visri gya.

    ReplyDelete
    Replies
    1. વિસરી નથી ગયો, પણ તો બ્લોગ અતિ લાંબો થઈ જાત. હાલ જેટલો છે તેટલો પણ તમારી જેમ માત્ર બે ત્રણ જનાએ જ વાચ્યો છે. બાકીના ઓ પિતૃ સ્તવન સુધી વાચી અટકી ગયા છે.

      Delete
    2. વાંચી ને સૂચન બદલ આભાર. નવું લખવાની પ્રેરણા મળી છે. પુનઃ આભારી છું.

      Delete

Post a Comment

Popular posts from this blog

સિમ્પલી ભૂતાન.